Uncategorized

સાહેબ મિટિંગમાં છે: પૂર્વ મંત્રીઓ કરતા વર્તમાન સરકારના મંત્રીઓ નબળા પૂરવાર? દિનુમામાની ઘરવાપસીને રોકવા ભાજપના નેતાઓ જ સક્રિય – InfowayTechnologies

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Are The Ministers Of The Current Government Weaker Than The Previous Ministers? Only BJP Leaders Are Active To Prevent Dinumama’s Return Home

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી…

વર્તમાન મંત્રીઓ પૂર્વ મંત્રી જેટલા હોંશિયાર સાબિત ના થયા
ગુજરાત કે દેશની કોઈપણ ઘટના કે બનાવ હોય તો તેવા સંજોગોમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રીઓ જો વિધાનસભા સત્ર ચાલતું હોય તો તેવા સમય દરમિયાન સહાનુભૂતિ કે પ્રસિદ્ધિ મેળવવાની એકપણ તક છોડતા નહોતા. પૂર્વોત્તર રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થવાના કિસ્સામાં જો પૂર્વ મંત્રીઓ હાલ સરકારમાં હોત તો તાત્કાલિક ધોરણે જ આ મુદ્દે પણ પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા હોત. આમ, વર્તમાન મંત્રીઓ ગુજરાત સરકારના પૂર્વ મંત્રીઓ જેટલા હોંશિયાર સાબિત નથી થઈ શક્યા.

કોર્પોરેટરોએ પણ કમિશનરની ફજેતીની મજા લીધી
સુરત મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે ઘણા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ટીપી નંબર 39માં જે રીતે પ્લોટ મૂળ માલિકને બદલે બીજાને ફાળવવામાં આવ્યો હતો. તેમાં અધિકારીઓએ કરેલા ભ્રષ્ટાચારને લઈને હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનરને ફટકાર લગાવતા ભાજપના જ કેટલાક નેતાઓ ખુશ થઈ ગયા છે. કોર્પોરેશનના કોર્પોરેટરો પણ કમિશનરની થયેલી ફજેતીની મજા લઇ રહ્યા છે. હાઇકોર્ટે કમિશનરનો ઉઘાડો લેતા કમિશનર દિગ્ગજ નેતાના શરણે પહોંચી ગયા હતા. જે નેતાની સંડોવણી છે તેનું નામ લેવાનું પણ કોર્પોરેશનના સત્તાધિશો ટાળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારનો સૌથી મોટું ઉદાહરણ ટીપી સ્કીમના પ્લોટમાં થયેલી કાર્યવાહી છે. હાઇકોર્ટે કમિશનરને જે પ્રકારે ફટકાર લગાવી છે. તેને લઈને સુરત કોર્પોરેશનના સત્તાધીશો જ અંદરો અંદર ખુશ થઈ રહ્યા છે. જો કે, આ બધી ખેંચાતાણમાં સુરત મહાનગરપાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે.

દિનુમામાની ઘરવાપસીને રોકવા ભાજપના નેતાઓ સક્રિય
ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાદરાથી ભાજપની ટિકિટ ન મળતા નારાજ પૂર્વ ધારાસભ્ય દિનુમામાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ચૂંટણીમાં પરાજય થયો. હવે ચૂંટણીના માહોલમાં ઉભો થયેલો રાજકીય ઉભરો બેસી ગયો છે. ત્યારે દિનુમામા ફરી એકવાર ભાજપમાં પ્રવેશવા માટે તલપાપડ થઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ દિનુમામા ફરી ભાજપમાં સક્રિય ન બને તે માટે ભાજપના તાલુકા કક્ષાના નેતાઓ સક્રિય થયા છે અને પ્રદેશ મોવડી મંડળ સાથે એક ગુપ્ત બેઠક કરી આવ્યા છે. જેમાં તેમણે દિનુમામાને ફરી ભાજપમાં સામેલ થવામાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આમ હવે પાદરામાં ભાજપના નેતાઓ જ ભાજપના પૂર્વ ધારાસભ્યને પાર્ટીમાં આવતા રોકવા સક્રિય થયા છે. ત્યારે જોવું રહ્યું કે દિનુમામાને પ્રદેશ મોવડી મંડળ ઘરવાપસી કરાવે છે કે નહીં.

નિષ્ક્રિય થયેલા જવાબદારો નેતાઓના ક્લાસ લેવાયા
ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી પુરી થતાની સાથે જ જાન્યુઆરી મહિનામાં પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક મળી હતી અને તેમાં ફોક્સ આગામી લોકસભાની ચૂંટણીમાં 26 બેઠક પર ફરી એક વખત કબ્જો કરવાનું હતું. આ કારોબારીની બેઠક દરમિયાન મવડી મંડળ દ્વારા કેટલાક શહેર અને જિલ્લા તેમજ વિધાનસભાના પ્રભારી અને પ્રમુખો સાથે ખાસ બેઠક કરી હતી જેમાં ક્યાંક જૂથવાદ નારાજગી તેમજ ટિકિટ કપાતા નિષ્ક્રિય થયાની ફરિયાદો અંગે જવાબદારોના ક્લાસ લેવામાં આવ્યા હતા જેમાં રાજકોટ શહેર અને જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં રાજકોટના નેતાઓ પણ હાજર હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

પ્રમુખો નિષ્ક્રિય થતાં ઉપર લેવલ સુધી ફરિયાદ થયેલી
પ્રદેશ કારોબારી બાદ ઝોન વાઇઝ મળેલ કારોબારીની બેઠક બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. એક બાદ એક બદલાવ કરી નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી રહી છે. તાજેતરમાં પ્રદેશ ભાજપ અનુસૂચિત અને બક્ષીપંચ મોરચા અધ્યક્ષની નિમણુંક તેમજ ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત બોટાદ અને મહેસાણા પ્રમુખ બદલાતા હવે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ શહેર અને જિલ્લા પ્રમુખને બદલાવવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ શહેર જિલ્લાની તમામ 8 વિધાનસભા બેઠક પર જીત ભલે થઇ હોય પરંતુ આ ચૂંટણીમાં શહેર અને જિલ્લા બન્ને પ્રમુખ ટિકિટમાં દાવેદારી નોંધાવી હતી. જોકે ટિકિટ ન મળતા નિષ્ક્રિય થયા હોવાની પણ ફરિયાદ પ્રદેશ લેવલે કરાઈ હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ભલામણ નહિ, સીધા જે તે વિભાગના મંત્રીને જ મળો
પ્રધાનમંત્રીએ ગુજરાત સરકારના નવ નિયુક્ત મંત્રી મંડળ સાથે ચર્ચા કરી અને આપેલા સુચનોમાં એક સુચન એવું પણ હતું કે કોઈની ભલામણ ચલાવી ના લેવી જોઈએ. આ સુચનને આધિન પણ મંત્રી મંડળના સભ્યો કામ કરી રહ્યા છે. મત વિસ્તારમાંથી આવતાં લોકો અન્ય કોઈ વિભાગના મંત્રીને કોઈ ભલામણ કરવાની રજૂઆત જો લઈને આવે છે તો એક જ ઝાટકે મંત્રીઓ ઘસીને ના કહી દે છે. મંત્રીઓ સ્પષ્ટ કહી દે છે કે જે વિભાગની ભલામણ હોય એ વિભાગના મંત્રીને જ મળો અને તેમને જ સીધી રજૂઆત કરો. આમ, પ્રધાનમંત્રી તરફથી મળેલા સુચનોને સુચના સમજી અને મંત્રી મંડળ કામ કરી રહ્યુ છે.

મંત્રીએ પોતાના વિભાગના વખાણ જાતે જ કરવા પડ્યા
નવ નિયુક્ત મંત્રી મંડળ ટ્રેક પર આવી રહ્યુ છે. ત્યારે અન્ય રાજ્યના લોકોની પણ મંત્રીને મળવા આવવાની શરૂઆત થઈ ગઈ છે. અન્ય રાજ્યના લોકો વાતચીત કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે વિભાગને લઈને તેમજ મંત્રીઓની કામગીરી બાબતે પણ ક્યારેક થાપ ખાઈ જતા હોય છે. આવા સંજોગોમાં મંત્રીઓ માટે સ્થિતી એવી પણ આવી જાય છે કે ક્યારેક પોતાના વિભાગ અંગે જાતે જ અન્ય રાજ્યના લોકોને જાણકારી આપવી પડતી હોય છે. તો વળી ક્યારેક પોતે કરેલી કામગીરી તેમજ પોતાના કેરિયર વિશે પણ જાતે જ જાણકારી આપી અને પોતાના જ વખાણ પોતાની જાતે કરવા પડતા હોય તેવી સ્થિતિ આવી ચડે છે.

ભાજપને જીત માટે અભિનંદન પણ પાઠવી ના શક્યા
તાજેતરમાં જ પૂર્વોત્તર રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કેસરિયો પણ લહેરાયો છે. એક તરફ ચૂંટણી પરિણામો આવતા જતા હતા અને બીજી તરફ ગુજરાતમાં વિધાનસભા સત્ર યોજાઈ રહ્યું હતું. પરિણામો જાહેર થઈ ગયા એ સમયે પણ વિધાનસભા સત્ર ચાલી જ રહ્યું હતું. તેમ છતાં પણ પરિણામના છેક બીજા દિવસે વિધાનસભા ગૃહની અંદર મંત્રી ભાજપને અભિનંદન પાઠવવા માટે ઉઠ્યા. તે સમયે અધ્યક્ષે સીધું જ કહી દીધું કે મુળ મુદ્દા પર વાત કરો. આમ, ભાજપની જીત થવા છતાં પણ ગુજરાત ભાજપના મંત્રીઓ જ ગૃહમાં ભાજપને જીતના અભિનંદન પાઠવી શક્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button