સાબરકાંઠા ક્રાઇમ ન્યૂઝ: વિવાઈ પાટિયા પાસે સ્કોર્પિયો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત; ગામની સીમમાંથી ડ્રિપ ચોરી કરતા 7 શખ્સો ઝડપાયા; LCBએ વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપ્યો – InfowayTechnologies

સાબરકાંઠા (હિંમતનગર)8 મિનિટ પહેલા
- કૉપી લિંક
વિવાઈ પાટિયા પાસે સ્કોર્પિયો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત
વડાલી-ખેડબ્રહ્મા હાઇવે માર્ગ પર સમ્રાટ હોટલની સામે કાર ચાલકે ટ્રેકટરની ઓવર ટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના દરમિયાન સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ટ્રેકટર અને કારમાં સવાર ઇજાગ્રસ્તોની બચાવો બચાવોની બુમોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ખેડબ્રહ્માથી વડાલી તરફ ટ્રેકટર આવી રહ્યું હતું. તે સમયે શ્યામનગર નજીક આવેલ હોટલ સમ્રાટ સામે હાઈવે રોડ પર ટ્રેકટરની પાછળ પૂરપાટ આવી રહેલા કાર ચાલકે ગફલત ભરી ગાડી હંકારી ટ્રેક્ટરની સાઈડ કાપી ઓવર ટેક કરવા જતા ટ્રેક્ટરના પાછળના ભાગે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર પલ્ટી મારતા ટ્રેક્ટરમાં સવાર લોકો રોડ પર પટકાયા હતા તો બીજી તરફ કારમાં સવાર લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના દરમિયાન ટ્રેકટર અને કારના ફુરચે ફુરચા થઇ ગયા હતા. ધડાકાભેર થયેલ અકસ્માતની ઘટના દરમિયાન સાત લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માતના બનાવના પગલે હાઇવે રોડ પર વાહનોનો ચક્કાજામ થયો હતો અને ઇજાગ્રસ્તને 108 મારફતે વડાલી અને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ઇડરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બાદ વડાલી પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

અહમદપુરા ગામની સીમમાંથી ડ્રિપ ચોરી કરતા સાત શખ્સો ઝડપાયા
તલોદ પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર અહમદપુરા ગામની સીમમાં ધીરુભાઈ પટેલના ફાર્મ હાઉસમાંથી ટપક સિંચાઇમાં વપરાતી ડ્રિપ નળીયોની સોમવારે રાત્રે પીકઅપ ડાલુ લઇને આવેલા શખ્સોએ ચોરી કરી નાસી ગયા હતા. જોકે તે દરમિયાન બાજુના ખેતરમાં કામ કરતા કેટલાક લોકોએ ચોરી થતી હોવાની શંકા જતા ફાર્મ હાઉસના માલિકને જાણ કરી હતી. જોકે તે દરમિયાન પીકઅપ ડાલુ લઇને આવેલા શખ્સો ભાગી છુટયા હતા. જેનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારે મોડાસાના ટોલનાકા પાસેથી પીકઅપ ડાલાને ઝડપી લઇ બે શખ્સો હાર્દિક મકવાણા અને કરણ પરમારને પકડી તલોદ પોલીસને સોપવામાં આવ્યા હતા અને ફાર્મ હાઉસના માલિક ધીરુ પટેલે તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે વધુ પુછપરછ કરતા ચોરીના ગુનામાં બીજા પાંચ શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જેથી તલોદ પોલીસે ડ્રિપ ઇરીગેશન પાઇપની ચોરીના ગુનામાં સંડોવાયેલા ગોહિલ જયદીપસિહ, કૌશિકકુમાર ઓડ, નટવરસિંહ ઠાકોર, મકવાણા વિક્રમસિંહ તમામ અને દરજી કિરીટના આરોપીઓને ઝડપી લીધા હતા અને પોલીસે પીકઅપ ડાલુ કબ્જે કર્યુ હતું. તલોદ પોલીસ દ્વારા સાતેય શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પેટ્રોલ પંપ ઉપર રૂ. 1.39 લાખ રોકડા ચોરી થયા
તલોદના સલાટપુર નજીક આવેલા પેટ્રોલ પંપની ખુલ્લી ઓફિસમાંથી કોઇ ચોર ઇસમે રૂપિયા 1,39,800ની ચોરી કરીને નાસી ગયો હોવાની ફરિયાદ પેટ્રોલ પંપના સંચાલકે તલોદ પોલીસ મથકમાં નોંધાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, પ્રતિકભાઇ પાટડીયા તલોદ તાલુકાના સલાટપુર ગામની સીમમાં વર્ષ 2019થી એચ.પી. કંપનીનો પેટ્રોલ પંપ ચલાવી રહ્યા છે. પેટ્રોલ પંપ પર ફિલીંગ સ્ટાફમાં ચાર માણસો તથા હિસાબ-કિતાબ માટે મેનેજર અને ચોકીદાર પણ રાખ્યા હતા. તે દરમિયાન તા.1/3/2023ના રોજ હિસાબના રૂપિયા 39 હજારની ઘટ જણાતા પૂછપરછ કરવામાં આવી હતી અને સીસી વી કેમેરા ચેક કરતા કોઇ હેલ્મેટ પહેરોલો માણસ નંબર પ્લેટ વગરની બાઇક લઇને આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. ચોરીના બનાવ અંગે તલોદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
LCBએ વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપ્યો
સાબરકાંઠા લોક ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે હિંમતનગરના ન્યાયમંદિર વિસ્તારમાં રોડ પરથી નાકાબંધી કરી ઇકો ગાડીની તપાસ કરતા ઇકો ગાડીમાં ગુપ્ત ખાનુ બનાવી વિદેશી દારૂની બોટલ નંગ 86 કિંમત રૂપિયા 1,01,130ના મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4,09,030ના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લીધો હતો.

આ અંગે એલસીબી સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, એલસીબી પી.આઇ. એ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફના નિરલકુમાર તથા વિક્રમસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ગ્રે કલરની ઇકો ગાડીની અંદર ગુપ્ત ખાનુ બનાવી વિદેશી દારૂનો જથ્થો ભરી એક શખ્સ ઇડરથી હિંમતનગર શહેરમાંથી ચિલોડા તરફ જવાનો છે. જેને લઈને હિંમતનગરના ન્યાય મંદિર નજીક રોડ પર નાકાબંધી કરીને ઇકો ગાડી આવતા તેને રોકી તેમાં બેઠેલા ડ્રાઇવરનું નામ પુછતા સુભાચંદ્ર વૈષ્ણવ હોવાનું જણાવ્યું હતું.જેની વધુ પુછપરછ કરતા તેણે ઇકો ગાડીમાં ગુપ્ત ખાનુ બનાવી વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની કબૂલાત કરી હતી. જે અંગે તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 86 કિંમત રૂપિયા 1,01,130 મળી કુલ રૂપિયા 4,09,030ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ગુનો નોધી ફરાર બે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Source link