શહેરથી ગામડા સુધી પહોંચ્યો આખલાનો આતંક: સુરેન્દ્રનગરના નાના ટીમલા ગામે આખલાએ અડફેટે લેતા માસૂમ બાળકનો ભોગ લેવાયો, ગામમાં શોકનો માહોલ છવાયો – InfowayTechnologies

સુરેન્દ્રનગર33 મિનિટ પહેલા
રસ્તે રઝળતા ઢોરના આતંકથી હવે નાના ગામડાઓ પણ બાકાત નથી રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુાકના નાના ટીમલા ગામમાં શાળાએથી આવી રહેલા એક સાત વર્ષીય માસૂમ બાળકને આખલાએ અડફેટે લેતા બાળકનું મોત નિપજ્યું છે. માસૂમ બાળકના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
માસૂમ બાળકને સારવાર મળે તે પહેલા જ મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટીમલા ગામે બે આખલાના યુદ્ધ વચ્ચે એક સાત વર્ષના માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત થયુ છે. જેમાં બાળક સ્કૂલેથી આવતા ગામના પાદર પાસે બે આખલાઓના યુદ્ધ વચ્ચે માસૂમ બાળક આવતા બાળકને ગંભીર ઈજાઓ થતા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે લઈ જતા રસ્તામા જ બાળકે અંતિમ શ્વાસ લીધો હતો. 7 વર્ષના બાળકને રખડતા ઢોર શિકાર બનાવતા પરિવારજમા માતમનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

શાળાએથી ઘરે પરત ફરતી સમયે આખલાએ અડફેટે લીધો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટીમલા ગામે સાત વર્ષના બાળક વિરાજ ભાવેશભાઈ મેટાળીયા કે જે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. આજ સવારે 10:30 વાગ્યાની આસપાસ સ્કૂલેથી ઘર તરફ આવતા જ ગામના પાદર પાસે બે આખલાના યુદ્ધ વચ્ચે વિરાજ આવી જતા વિરાજના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે ગામ લોકો અને પરિવારજનો દ્વારા બાળકને સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડવા સારવાર માટે લઈ જતા હતા. ત્યારે રસ્તામાં સારવાર મળે એ પહેલા જ માસૂમ બાળક વિરાજનું મોત નીપજ્યું હતુ.

આ અંગે મૃતકના પરિવારજન નામીબેન મેટાળીયાએ જણાવ્યું હતું કે, સ્કુલેથી આવતા સમયે સાંઢડા બાખડતા એની અડફેટે બાળક નીચે પટકાયું હતુ. એને ગંભીર હાલતમાં તેડીને ઘેર આવ્યા બાદ એને ગાડીમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે એને મૃત જાહેર કરી ઘેર લઇ જવાનું કીધું હતુ. જ્યારે આ અંગે કરશનભાઇ મેટાળીયાએ જણાવ્યું કે, મારા ભત્રીજા ભાવેશના દીકરા વિરાજ નિશાળેથી આવતા આખલાના ત્રાસથી એને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હું એ સમયે લીંબડીમાં હતો. ત્યારે મને ફોન આવ્યો હતો કે, છોકરાને વધારે વગાડ્યું છે. તમે સીધા હોસ્પિટલે આવો. અને હું હોસ્પિટલે પહોંચતા ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે લીંબડીના નાના ટીમલા ગામના તેજાભાઇ નરશીભાઇ મેટાળીયાએ આક્રોશ સાથે જણાવ્યું કે, બે વર્ષ પહેલા એટલા બધા ખૂંટીયા હતા કે, ગ્રામજનોએ લોકફાળો કરીને મહાજન પાંજરાપોળમાં મૂકી આવ્યા હતા. છતાં પણ આખલાના ત્રાસે વૃધ્ધો અને માસૂમ બાળકો ઇજાગ્રસ્ત બનતા હોય છે. અને આ આખલાઓ સીમમાં પણ ખેડૂતોને મોટું નુકસાન કરે છે. આજે અમારા પરિવારમાં પણ આખલાએ અડફેટે લેતા માસૂમ બાળકે જીવ ખોઇ બેસવાનો વારો આવ્યો છે. તો આ માટે સરકારે રખડતા આખલા અંગે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ કે જેથી કરીને કોઇ માસૂમ અકાળે બીજીવાર આવો ભોગ ન બને.
Source link