વિવાદિત દરખાસ્ત: રિવરફ્રન્ટના બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો કોન્ટ્રાક્ટ બિલ્ડર પોપ્યુલર ગ્રૂપને અપાશે, AMC કમિશનર પર નિર્ણય છોડાયો – InfowayTechnologies

અમદાવાદ2 કલાક પહેલા
- કૉપી લિંક
સાબરમતી રિવરફ્રન્ટ પર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ચલાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. અમદાવાદ રેકેટ એકેડમી પ્રા.લી. અને અમદાવાદ સ્પોર્ટ્સ એકેડેમી LLP JV પાર્ક મુલર ડિસ્ટ્રીબ્યુટર્સ લી.એ ટેન્ડર ભર્યા હતા. જેમાં બિલ્ડર પોપ્યુલર ગ્રુપના છગન પટેલના પુત્રોની કંપની અમદાવાદ રેકેટ એકેડમી પ્રાઇવેટ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત મૂકાઈ હતી. જોકે, અંતિમ નિર્ણય મ્યુનિસિપલ કમિશનર પર છોડવામાં આવ્યો હતો.
દરખાસ્ત મૂકાતા ભાજપના હોદ્દેદારોમાં નારાજગી
આજે મળેલી સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ની બેઠકમાં બિલ્ડર પોપ્યુલર ગ્રુપના છગન પટેલના પુત્રોની કંપની અમદાવાદ રેકેટ એકેડમી પ્રાઇવેટ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ સોંપવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી. કમિટીમાં આ દરખાસ્ત મૂકવામાં આવતા ભાજપના હોદ્દેદારોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. બેઠકમાં આ કોન્ટ્રાક્ટ અમદાવાદ રેકેટ એકેડમી પ્રાઇવેટ લિમિટેડને આપવો કે કેમ તેનો નિર્ણય રિવરફ્રન્ટના ચેરમેન અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર (AMC) એમ. થેંન્નારેસન ઉપર હવે છોડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અરજી પર કોઈ નિર્ણય લેવાયો નથી- હિતેશ બારોટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ચલાવવા માટે થઈને કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત જે મૂકવામાં આવી હતી, તેના ઉપર હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રિવરફ્રન્ટના ચેરમેન એવા કમિશનર આ મામલે નિર્ણય લેશે
બે કંપનીએ ટેન્ડર ભર્યા હતા
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. કંપની (SRFDCL)એ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ વિસ્તારમાં પાલડી અને પૂર્વ વિસ્તારમાં શાહપુરના બે સ્પોર્ટસ કોમ્પલેક્સના ટેન્ડર બહાર પાડ્યા હતા. આ ટેન્ડરની ટેક્નિકલ બીડ ખુલી હતી. આ ટેક્નિકલ બીડમાં બે કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. જેમાં અમદાવાદ રેકેટ એકેડમી પ્રા.લી. અને અમદાવાદ સ્પોર્ટ્સ એકેડેમી LLP JV પાર્ક મુલર ડિસ્ટ્રીબ્યુટર્સ લી.એ ટેન્ડર ભર્યા હતા. બે દિવસ પહેલા જ આ ટેન્ડરની પ્રાઇઝ બીડ ખુલી હતી. જેમાં અમદાવાદ રેકેટ એકેડમી પ્રા.લી.એ રૂ. 75.60 લાખ અને અમદાવાદ સ્પોર્ટ્સ એકેડેમી LLP JV પાર્ક મુલર ડિસ્ટ્રીબ્યુટર્સ લી. એ રૂ.54 લાખની રકમ ભરી હતી.
રેકેટ એકેડમીની બિડ ઊંચી
અમદાવાદ રેકેટ એકેડમી પ્રા.લી સૌથી વધુ રકમ રિવરફ્રન્ટને આપતી હોવાથી આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે ની દરખાસ્ત આજે રિવરફ્રન્ટ કમિટીમાં મૂકવામાં આવી હતી. જોકે, ભાજપના હોદ્દેદારોને આ બાબતે કોઈપણ પ્રકારની જાણ ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ મામલે ભાજપના હોદ્દેદારોમાં ભારે નારાજગી ફેલાઈ હતી અને આજે મળેલી કમિટીમાં દરખાસ્ત મુદ્દે રિવરફ્રન્ટના ચેરમેન એવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પર છોડવામાં આવ્યો છે.
Source link