રસરંગ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું: સતત ચોથા દિવસે 2 લાખ કરતાં વધુ લોકોએ મેળાની મોજ માણી, ડ્રોન કેમેરામાં અદ્ભૂત દૃશ્યો કેદ થયા – InfowayTechnologies
રાજકોટ4 કલાક પેહલા
- કૉપી લિંક

રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીનાં પાવન પર્વ નિમિત્તે ખાસ રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મેળાનાં સતત ચોથા દિવસે 2 લાખ કરતાં વધુ લોકોએ મેળાની મોજ માણી હતી. આ મેળામાં નાના બાળકોથી લઈને મોટેરાઓ વિવિધ રાઈડ્સનો આનંદ લેતા જોવા મળ્યા હતા. દરરોજની માફક આજે પણ બપોર બાદ રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રભરનાં વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાને કારણે હૈયેહૈયું દળાતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અદ્ભૂત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા.
મેળામાં ફરતાં લોકોમાં ભારોભાર ખુશીની લાગણી
રાજકોટનો લોકમેળો એટલે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો એક ખૂબ મોટો ઉત્સવ હોય છે. પ્રતિવર્ષ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાનું આયોજન કરાય છે. આ મેળો એટલે મળવાનું તેમજ માણવાનું સ્થળ બની રહે છે અને નાના-મોટા, ગરીબ, અમીર તેમજ ગરીબ સૌ સાથે મળી રાંધણ છઠ્ઠથી શરૂ થતાં આ ભાતીગળ લોકમેળાની મુલાકાત લેતા હોય છે. મેળામાં આવતા બાળકો, યુવાનો અને વૃધ્ધો સૌ કોઈમાં આજે ભારે ખુશીની લાગણી જોવા મળી હતી. આ મેળામાં લોકોએ અવનવી રાઈડ્સ તેમજ ખાણીપીણી સહિત જુદી-જુદી વસ્તુઓની ખરીદી કરવાનો આનંદ લીધો હતો.

બપોર બાદ લોકોનું કિડિયારું ઊભરાયું
દરરોજની જેમ સવારથી જ અવિરત લોકોનો પ્રવાહ મેળાની મોજ માણવા આવવા લાગ્યો હતો. જોકે, બપોર બાદ કીડીયારું ઉભરાયું હોય તેમ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટવા લાગ્યા હતા. જેને પગલે આ લોકમેળામાં પગ મુકવાની પણ જગ્યા જોવા મળતી નહોતી. આ તકે લોકો આઈસ્ક્રીમ સહિત ઠંડાપીણાં અને વિવિધ વસ્તુની જયાફત ઉડાવતા જોવા મળ્યા હતા. અને રંગબેરંગી રોશનીને કારણે આ મેળો જાણે ધરતી પરનું એકમાત્ર સ્વર્ગ હોય તેવો જણાતો હતો.

7 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી
રસરંગ લોકમેળામાં ચકરડી, ફજેતફાળકા ટોરા ટોરા, મોતનો કુવો, ઝૂલા સહિત અવનવી રાઈડસની મજા લોકોએ માણી હતી. આજે મેળાનો ચોથો દિવસ છે. મેળાનાં પ્રથમ દિવસે અંદાજિત 50,000થી વધુ, બીજા દિવસે 1.25 લાખથી વધુ અને ત્રીજા દિવસે 3 લાખ જેટલા લોકોએ તેમજ આજે પણ 2 લાખ કરતા વધુ લોકો સહિત અત્યાર સુધીમાં કુલ 7 લાખ કરતા વધારે લોકો મેળાની મોજ માણી ચુક્યા છે. અને બાકી રહેલા બે દિવસમાં પણ 5 લાખ જેટલા લોકો મેળાની મજા માણે તેવી શક્યતા છે.

મેળાના અદ્દભૂત રંગોનો નજારો
અત્રે ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમીના 6 દિવસ સુધીમાં 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણે તેવો તંત્રનો અંદાજ છે. આ સાથે દિવ્યભાસ્કર દ્વારા તેમના વાંચકો માટે દરરોજ મેળાના વિવિધ રંગો સાથે પ્રસંગોની તસ્વીરો આપી રહ્યું છે. જે અંતર્ગત ચોથા દિવસે અવકાશી અદભુત નજારો સાથે સાથે અલગ-અલગ રાઇડ્સ તેમજ સ્ટોલની મુલાકાતે આવતા લોકોની અદભુત તસવીરો અમે આપના સમક્ષ રજૂ કરી છે. આ દ્રશ્યો જોઈને મેળામાં નહીં આવનારા લોકો પોતે જાણે મેળામાં હાજર હોય તેવો જ અનુભવ કરશે તે નિશ્ચિત છે.

Source link