ધારાસભ્યની કૃષિમંત્રીને રજૂઆત: ટેકાના ભાવે બટાકા અને ડુંગળીની ખરીદી કરવા માંગ કરી; ભાવમાં વધારો થતા તે મુજબ ટેકાના ભાવ મળવા જોઈએ – InfowayTechnologies

પોરબંદર34 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાતમાં બટાકા અને ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે અર્જુન મોઢવાડિયાએ રાજેયના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને બટાકા અને ડુંગળીની ટેકાના ભાવે ખરીદી કરવા માંગ કરી છે. અર્જુન મોઢવાડિયાએ પત્રમાં જણાવ્યું છે કે, દેશમાં બટાકાના કુલ ઉત્પાદનમાં 30% જેટલા બટકાનું ઉત્પાદન ગુજરાતના ખેડૂતો કરે છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો મોટાપાયે બટાકાનું ઉત્પાદન કરે છે. ઉપરાંત ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન પણ મબલખ પ્રમાણમાં થાય છે. પરંતુ ખેડૂતોને બટકા અને ડૂંગળીના પોષણક્ષમ ભાવો મળતા ન હોવાથી મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે. એકબાજુ બિયારણ, ખાતર, ખેડ, જંતુનાશક દવાઓ સહિતના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બટાકા અને ડૂંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે જરૂરી છે.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે, માર્કેટ યાર્ડમાં અત્યારે ડુંગળીના ભાવ પ્રતિ મણ 70થી 100 રૂપિયા મળી રહ્યા છે. જ્યારે બટાકાના ભાવ પ્રતિ મણ 60થી 100 રૂપિયા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને પ્રતિ મણ 100થી 150 રૂપિયા સુધીનું નુકશાન થઈ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર બટાકા તેમજ ડુંગળીના ટેકાના ભાવ જાહેર કરે અને તે ભાવ મુજબ ખરીદી શરૂ કરી ખેડૂતોને રાહત આપે અથવા અન્ય રાજ્યોની જેમ ભાવાંતર યોજના હેઠળ વર્તમાન બજાર ભાવ અને પોષણક્ષમ ભાવ વચ્ચેના તફાવતના નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની નિતીના કારણે ખેડૂતો બટાકા અને ડૂંગળીનું ઉત્પાદન કરે ત્યારે તેમને માર્કેટમાં યોગ્ય ભાવ મળતા નથી. તેમજ જ્યારે ખેડૂત વેચી રહે ત્યારે ઉંચા ભાવે છુટક બજારમાં વેચાણ કરવામાં આવે છે. જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકો માર સહન કરી રહ્યા છે. સરકારને ખબર હોવી જોઈએ કે રાજ્યમાં કેટલું ઉત્પાદન થવાનું છે અને માંગ કેટલી રહેશે. તેના આધારે વિદેશમાં નિકાસની આગોતરી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો આ મુશ્કેલીને નિવારી શકાય તેમ છે. આ ઉપરાંત સરકાર ડુંગળીની ટેકાના ભાવે ખરીદી કરી તેનો પાવડર બનાવી વેચી શકાય તેમ છે. પરંતુ સરકાર આવા કોઈ પગલા ઉઠાવતી નથી.
Source link