ઢોરને પણ ન મારે તેવો યુવાનને માર્યો: સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સાત શખ્સો એક યુવક પર તૂટી પડ્યા, ધોકાઓ અને પથ્થરો મારી અધમૂઓ કરી નાખ્યો – InfowayTechnologies

સુરેન્દ્રનગરઅમુક પળો પહેલા
- ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો
સુરેન્દ્રનગરમાં કાયદાના લીરા ઉડાવતો એક બનાવ સામે આવ્યો છે. શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક યુવકને સામાન્ય બાબતે સાત શખ્સોએ ધોકા અને પથ્થરોથી ઢોર માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો હુમલામાં ઘવાયેલા યુવકને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સામન્ય બોલાચાલીમાં વાત વણસી અને…
જે બનાવ બન્યો છે તેનો વીડિયો જોઈએ તો લાગે કે માથાકૂટ પાછળ કોઈ ગંભીર બાબત જવાબદાર હશે. પરંતુ, આ બનાવમાં ‘સામું કેમ જુએ છે?’ તેવી સામાન્ય બાબતે જ ભોગ બનનાર અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ સમીર મામાણીને આરોપીઓએ સામે કેમ જુએ છે તેમ કહી સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મારામારી કરી હતી. સમીર મામાણીને નીચે પાડી દઈ આરોપીઓ ધોકા લઈ તૂટી પડ્યા હતા. તો બીજા શખ્સો મોટા પથ્થરો લઈ માર્યા હતા.

મર્ડર કરો…મર્ડર કરો…
સુરેન્દ્રનગરમાં હત્યાના પ્રયાસનો જે બનાવ બન્યો છે તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં આરોપીઓ હાથમાં ધોકો લઈ ભોગ બનનારને ઢોર માર મારતા જોવા મળી રહ્યા છે. એક યુવક મર્ડર કરો…મર્ડર કરો..કહેતા પણ સંભળાઈ રહ્યો છે.

સાત શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
ઢોર મારનો આ વીડિયો વાઈરલ થયા બાદ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા સાત શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દીપક વાણીયા, રમેશ પારગી, દર્શન રાઠોડ અને જીગ્નેશ રાઠોડ સામે નામજોગ અને ત્રણ અજાણ્યા શખ્સો મળી સાત સામે ગુનો નોંધ્યો છે.
જાહેર સ્થળ પર જ કાયદાના ધજાગરા ઉડ્યા
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ધોળે દિવસે હત્યાના પ્રયાસનો બનાવ બનતા ચકચાર મચી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલો ઉઠ્યા છે.

ધાક જમાવવા પોતાના જ વીડિયો વાઈરલ કર્યા
આરોપી દીપક વાણીયાએ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કરેલી મારામારીનો વીડિયો પોતે જ સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. આ પહેલા પણ તેની એક ગુનામાં ધરપકડ થઈ ત્યારે તેનો વીડિયો અને એક કેબીનમાં તેના દ્વારા કરાયેલી તોડફોડનો વીડિયો પણ પોતે વાઈરલ કર્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ શું કહી રહી છે?
આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.બી.વિરજાએ જણાવ્યું હતું કે, મારામારીની આ ઘટના મામલે સાત શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવાનોનીની સુરેન્દ્નનગર ટી.બી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Source link