જેને જોઈ ભલભલા ફિદા થઈ જાય એ લવલી કોણ છે?: ‘પેટ માટે બધું કરવું પડે છે, પર્ફોર્મન્સ દરમિયાન કોઈ મને સ્પર્શ કરે છે તો કોઈ ચૂંટલો પણ ખણે છે’ – InfowayTechnologies

સુરત3 કલાક પહેલાલેખક: દેવેન ચિત્તે
હવે રંગોના તહેવાર હોળી અને ધૂળેટી આડે ગણતરીના કલાકો જ બાકી છે. જો કે બે દિવસ પૂનમ હોવાથી બનારસના કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનનાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરોમાં 6-7 માર્ચના રોજ રાતે 12.40થી 5.56 વાગ્યા વચ્ચે હોલિકા દહન થશે. દેશભરમાં યોજાનારા હોલિકા દહનને લઈ ગુજરાતમાં પણ તૈયારીઓ પૂરજોશમાં છે. ગુજરાતમાં રાજસ્થાની લોકોની હોળી તો ખરેખર માણવા જેવી હોય છે. તેમા પણ સુરતમાં વસતા રાજસ્થાનીઓ તો હોળીની ઉજવણી એક સપ્તાહ પહેલા જ શરૂ કરી દે છે.
લવલી વિના હોળીનો રંગ સાવ ફિક્કો
રાજસ્થાનીઓ નાચીને ફાગોત્સવની ઉજવણી કરતા હોય છે ત્યારે સુરતનો ફાગોત્સવ લવલી વિના અધૂરો ગણાય છે. પહેલી નજરમાં કોઈ પણ વ્યક્તિ લવલીને જોઈને કહી ના શકે કે આ છોકરો છે કે છોકરી. વિક્રમમાંથી લવલી બનવા સુધીની સફર પણ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી છે. છેલ્લા 18 વર્ષથી લવલી સુરતના હોળીના રંગમાં અનેરો રંગ ઉમેરી દે છે. વિક્રમસિંહ જ્યારે લવલી બને છે ત્યારે તેની અદા જોઈને ભલભલા ફિદા થઈ જાય છે. રાજસ્થાનના પાલી નજીકના ખૂબ નાના ગામડામાંથી આવતો વિક્રમ આજે સુરતમાં લવલી નામથી એવી ધૂમ મચાવે છે કે હોળીના તમામ કાર્યક્રમમાં તેની હાજરી જાણે અનિવાર્ય બની ગઈ છે. જ્યાં સુધી રાજસ્થાની પરિવારોની વચ્ચે લવલી પોતાનું લોક નૃત્ય રજુ નથી કરતી ત્યાં સુધી જાણે તેનો રંગ સાવ ફિક્કો રહે છે. લવલી પુરુષ હોવાને કારણે પરિવારના લોકો પણ તેની સાથે ખૂબ જ આનંદ અને મોજ મસ્તીથી નાચતા દેખાય છે. હોળીના લોકગીતો ઉપર લવલી પોતાની નૃત્ય શૈલીથી સૌ કોઈના મન મોહી લે છે.
પેટનો ખાડો પૂરવા મજબૂર છે લવલી
પેટનો ખાડો પૂરવા માટે હોળી ઉત્સવમાં ડાન્સ કરતી લવલીને ઘણાં વિકૃત લોકો કુદ્રષ્ટીએ પણ જુએ છે. માત્ર એટલું જ નહીં, કાર લઈને હોટલ સુધી ઘણીવાર પીછો પણ કર્યો હોય તેવા કિસ્સાઓ બન્યા છે. જ્યારે પર્ફોર્મન્સ દરમિયાન ઘણા લોકો સ્પર્શ કરે છે અને ચૂંટલો ખણે છે. રંગોનો તહેવારમાં મનોરંજન જરૂર કરીએ પણ રોજી રોટી કમાવવા માટે મજબૂર કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર સમાજમાં વ્યાપેલી વિકૃત માનસિકતા છતી કરે છે.
પર્ફોર્મન્સ આપવા માટે તૈયાર થયેલી લવલી.
18 વર્ષથી લવલીનું બિરુદ મેળવી ચૂકેલા વિક્રમનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું હતું. આ લવલી કોણ છે અને તેની જિંદગી કેવી છે? લોકો તેની સાથે કેવો વ્યવહાર કરે છે તે અંગે જાણવા દિવ્ય ભાસ્કરે લવલી સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી.
‘મારો પરિવાર ખૂબ ગરીબ હોવાથી વધુ કમાણી કરવા ડાન્સ શરૂ કર્યો’
આ અંગે લવલીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે,શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. છેલ્લા 18 વર્ષથી સુરત આવું છું અને સુરતે મને લવલી નામ આપ્યું છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે મને વિચાર આવતો હતો કે મારે વધુ કમાણી કરવી જોઈએ. હું ખૂબ ગરીબ પરિવારનો હતો. કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો, પરંતુ મને નાચવું ગમતું હતું. હું ક્યારેક ક્યારેક રાજસ્થાનમાં નાના નાના કાર્યક્રમમાં જ ભાગ લેતો હતો અને મને ત્યાં રૂપિયા મળતા હતા. પરંતુ ત્યારબાદ એકાએક મને કોઈકે વિચાર આપ્યો કે તું છોકરી તરીકે ખૂબ સારું પર્ફોર્મન્સ આપી શકે છે તારે આ દિશામાં આગળ કામ કરવું જોઈએ અને એટલા માટે જ મેં અંતે નક્કી કર્યું કે નોકરી છોડીને હવે મારે ફુલ ટાઈમ ડાન્સર થવું છે અને તેના માટે મેં સુરત શહેરને પસંદ કર્યું છે. 18 વર્ષ પહેલા એક નાના કાર્યક્રમમાં જ્યારે હું સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કાર્યક્રમ આપવા માટે આવ્યો ત્યારે મને ખૂબ સારા રૂપિયા મળ્યા હતા. પરંતુ એની સાથે સાથે જબરજસ્ત મોજ મસ્તી કરવાની તક પણ મળી હતી. મને એવું લાગ્યું કે સુરતના લોકો ખૂબ સારા પૈસા આપશે અને તેઓ આનંદ પણ ખૂબ સારી રીતે માણે છે. હોળીના તહેવારમાં હું એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ આમ સતત સુરતમાં આવવાનું પસંદ કરતો રહ્યો અને હવે એવું થઈ ગયું છે કે સુરતની હોળી મારા વગર અધુરી રહે છે અને સાચું કહું તો સુરતમાં જ હું પર્ફોમન્સ ના આપું તો મને જ ગમતું નથી.
‘શણગાર સજવામાં બે કલાક કરતા વધુ સમય લાગે છે’
લવલી આગળ કહે છે કે, મને સ્ત્રી તરીકેનો શણગાર કરવામાં અંદાજે બે કલાક કરતા વધુ સમય લાગે છે. હું તૈયાર થવામાં કોઈ કસર રાખતી નથી. તેના કારણે જ મારી એક એક અદા સ્ત્રી જેવી લાગે છે. પહેરવેશ ઉપર પણ હું ખૂબ જ ધ્યાન આપું છું અને હું પુરુષ છું એવું માલુમ હોતું નથી તે તો મને પહેલી નજરમાં જોતા સ્ત્રી સમજી બેસે છે. 16 શણગાર સજીને હું સ્ટેજ પર પરફોર્મન્સ આપું છે. હું વ્યક્તિગત એવું માનું છે કે શણગાર કરવામાં કોઈ પણ પ્રકારની કસર છોડવી જોઈએ નહીં. મારી ઓળખ છુપાવવામાં આ શણગાર જ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.

હોળી ઉત્સવના 15 દિવસ પહેલાથી સુરત શહેરમાં મારા કાર્યક્રમો શરૂ થઈ જાય છેઃ લવલી
સવારના 11થી રાતના 11 સુધી કરે છે કાર્યક્રમો
લવલીએ હોળીના કાર્યક્રમો અંગે જણાવ્યું કે, હોળી ઉત્સવના 15 દિવસ પહેલાથી સુરત શહેરમાં મારા કાર્યક્રમો શરૂ થઈ જાય છે, અંદાજે રોજના 4 થી 5 કલાક સુધી હું કાર્યક્રમો કરું છું. મારું શેડયુલ હોળી સુધીનું ફિક્સ થઈ જાય છે. સવારે 11:00 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી શહેરભરમાં અલગ અલગ કાર્યક્રમો થતા રહે છે. હું માત્ર સુરતમાં નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ક્યારેક ક્યારેક તો મુંબઈમાં પણ કાર્યક્રમ આપવા માટે જાવ છું. મારી ઓળખ હોળી સાથે સંકળાયેલી છે અને તેના કારણે તેને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી અલગ અલગ સ્થળે કાર્યક્રમમાં બોલાવવામાં આવે છે.
‘…ને હું લવલીમાં ફેરવાઈ જાવ છું’
સુરતમાં મારી લોકચાહના ખૂબ મોટા પ્રમાણમાં છે. સુરતમાં પગ મુકતા જ મારું નામ વિક્રમ છે એ ભૂલી જાવ છું અને લવલીમાં ફેરવાઈ જાવ છું. જ્યારે બીજીતરફ લવલી…લવલીની બૂમોથી હું કોઈ મોટો સેલિબ્રિટી હોય તેવી રીતે લોકો મને વધાવી લેતા હોય છે. જેનો મને ખૂબ આનંદ થાય છે આજે રાજસ્થાની એવો કોઈ પરિવાર નહી હોય કે જે મારા નામથી પરિચિત ના હોય. હું પણ સુરતના રાજસ્થાની પરિવારોને ખૂબ પ્રેમ કરું છું.

લવલીના પરિવારમાં કોણ કોણ છે?
પરિવાર અંગે વાત કરતા લવલી કહે છે કે, મારા પરિવારમાં મારી માતા-પિતા મારા બે ભાઈઓ છે. મારી પત્ની અને મારે બે સંતાન છે. હોળીના સમય દરમિયાન દુઃખ એટલું જ હોય છે કે હું મારા પરિવારથી દૂર રહું છું અને હોળીના તહેવારમાં મારા સંતાનો સાથે ન હોવાને કારણે ક્યારેક મને તેમની યાદ આવે છે તો આંખમાંથી આંસુ પણ આવી જાય છે. રાજસ્થાનનો હોળીનો પર્વ એ અમારો સૌથી મોટો પર્વ છે. પરંતુ પરિવારનું ભરણપોષણ કરવા માટે હું રાત દિવસ એક કરી કાર્યક્રમ કરું છું અને પરિવારથી દૂર રહું છું. મારા સંતાનોને પણ ખબર છે કે તેમના પિતા પુરુષ થઈને સ્ત્રી તરીકેનો વેશ ધારણ કરે છે.
‘મારુ મન જાણે છે, હું એમની નજરથી કેવી રીતે બચી જાવ છું’
જ્યારે પર્ફોર્મન્સ સમયે થયેલા કડવા અનુભવ અંગે લવલી કહે છે કે, લોકોના ટોળા વચ્ચે નાચવું તો ક્યારેક ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. એક તરફ લોકોનો પ્રેમ અને બીજી તરફ કેટલાક યુવકો સતત મને યુવતી સમજીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા હોય છે. મારી છેડતી કરતા હોય છે. ઘણા યુવકો તો એવા હોય કે એ કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછી મારી પાછળ ગાડી લઈને આવે છે અને મારા બીજા કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપે છે. ત્યારબાદ ફરીથી એક કાર્યક્રમ પતાવીને બીજા કાર્યક્રમમાં જાઉં તો ફરીથી મારી પાછળ આવી જાય છે. એક વખત તો મોડી રાતે કાર્યક્રમ આપીને પરત ફરી રહી હતી ત્યારે મારા હોટલ સુધી પણ કેટલાક લોકો મારી પાછળ ગાડી લઈને પીછો કરતા કરતા આવી ગયા હતા. યુવકો સતત મને સ્ત્રી સમજીને સ્પર્શ કરવા માટે પ્રયાસ કરે છે. મારા શરીર ઉપર ચૂંટલો પણ ભરી લેતા હોય છે. કાર્યક્રમમાં હાજર કેટલાક લોકો અજાણ હોય છે કે હું ખરેખર સ્ત્રી નથી પરંતુ પુરુષ છું. તેઓ મારી તરફ એક જ નજરે સતત નિહાળતા રહે છે. મારુ મન જાણે છે કે હું એમનાથી નજર કેવી રીતે બચાવી લઉં છું. મારી પોતાની જાતને પણ એમના સ્પર્શથી બચાવવાનો પ્રયાસ કરું છું.

એક મહિનામાં જ પરિવારના ગુજરાન માટે કરી લે છે પૂરતી કમાણી
લવલીની પ્રસિદ્ધિ બાદ અનેક નવયુવાનો પણ હવે આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે રાજસ્થાનના અલગ અલગ જિલ્લાથી યુવકો સ્ત્રી બનીને સુરતમાં હોળી ઉત્સવ દરમિયાન કાર્યક્રમ આપવા માટે આવે છે. આ એક મહિનાની અંદર તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતી કમાણી પણ કરી લે છે. સુરતમાં લાખોની સંખ્યામાં રાજસ્થાની પરિવારો રહે છે અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટો અને અલગ અલગ સંસ્થાઓના કારણે ઉજવણી માટે સ્ત્રી બની પર્ફોર્મ કરતા પુરુષોને બોલાવવામાં આવે છે.
Source link