આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે: સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી, 151 તાલુકામાં વરસાદ, મૂરઝાતી મોલાતને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશી – InfowayTechnologies
વલસાડ29 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાજ્યભરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, નવસારી વલસાડ, ડાંગ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા સહિત સુરતમાં ગતરોજ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેને પગલે આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કપરાડામાં 5.5 ઈંચ તેમજ સુબીરમાં 5 ઈંચ અને આહવામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
આગામી 24 કલાક ગુજરાત માટે ભારે
આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, તાપીમાં ભારે વરસાદની શક્યતા છે તેમજ વલસાડ, સુરત, ડાંગ, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ.
24 કલાકમાં 151 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 151 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુબીરમાં 5 ઈંચ, આહવામાં 4.5 ઈંચ વરસાદ તેમજ ધરમપુર અને ખેરગામમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર અને માંગરોળમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 59 તાલુકામાં 1થી 3 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો તેમજ 6 તાલુકામાં અઢી ઈંચ, 11 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ, જ્યારે 14 તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. 42 તાલુકામાં એકથી સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગતરોજ ભારે પવન સાથે વરસાદ.
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં ગત સમી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં આવેલા પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં જમાલપુર, નરોડા, નિકોલ, કુબેરનગર અને સરદારનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદી ઝાપટું પડવાના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.

પાલનપુરના ફતેપુર ગામે વીજળી પડવાથી દાદા-પૌત્રનાં મોત.
ખેતરમાં દાદા પૌત્રને તેડીને ઊભા હતા ને વીજળી પડતાં મોત, ગાયનું પણ મોત
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા, જ્યાં પાલનપુર- વડગામાં શુક્રવારે સાંજે એક કલાકમાં કડાકા- ભડાકા સાથે એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ વચ્ચે પાલનપુરના ફતેપુર ગામ નજીક સાંજના સુમારે વરસાદ દરમિયાન આકાશમાંથી વીજળી પડતાં 4 વર્ષીય પૌત્ર અને તેને તેડીને ઊભેલા દાદાનું મોત થયું હતુ. બાજુમાં બાંધેલી ગાય પણ મોતને ભેટી હતી. આ કરુણ ઘટનાથી નાનકડા ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી.

પૂર્ણા નદી 18.50 ફૂટે વહેતી થઈ.
નવસારી જિલ્લાના ત્રણ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ
નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદ વરસતાં ખેતીને નવજીવન મળ્યું છે તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. શહેરની પૂર્ણા નદી 18.50 ફૂટે વહેતી થઈ છે. નવસારીમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં પુરા થતાં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો નવસારીમાં 27 મિમી (1.12 ઇંચ), જલાલપોરમાં 24 મિમી (1 ઇંચ), ગણદેવીમાં 37 મિમી (1.54 ઇંચ), ચીખલીમાં 53 મિમી (2.20 ઇંચ), ખેરગામમાં 94 મિમી (3.91 ઇંચ), વાંસદામાં 48 મિમી (2 ઇંચ) વરસાદ નોંધાયો છે.
ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી
લાંબા સમય, એટલે કે પૂરો ઓગસ્ટ કોરો ધાકોર ગયો છે અને એ બાદ સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં મેઘરાજા મહેરબાન બન્યા છે, જેના કારણે ખેડૂતોના બળી રહેલા પાકને પુનઃ જીવનદાન મળ્યું છે. વરસાદે લાંબો વિરામ લેતાં ડાંગર અને શેરડીના પાક લેનારા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ ન આવવાને કારણે ખેડૂતોના વાવેતરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી, જોકે ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ઉપર શિલા તથા માટીનો મલબો ધસી પડ્યાં.
ડાંગમાં સાર્વત્રિક વરસાદ; નદીઓ બે કાંઠે વહેતી થઈ
હવામાન વિભાગ દ્વારા 7 અને 8 તારીખે દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ બુધવાર સાંજથી ડાંગમાં વરસાદે જોર પકડ્યું હતું. ત્યારે સતત બે દિવસ ભારે વરસાદ જોવા મળ્યો હતો. એ બાદ ગતરોજ વહેલી સવારથી ડાંગ જિલ્લાના લગભગ ત્રણે તાલુકાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદના કારણે વઘઈ-આહવા રોડ પર ભવાનદગડ ગામે મહાકાય વૃક્ષ રસ્તા પર તૂટી પડતાં વાહનવ્યવહાર બંધ થયો હતો. જ્યારે ડાંગનાં નીચાણવાળા કોઝવે તેમજ ડુબાઉ પુલ ઉપરથી પાણી ફરી વળતાં વાહનચાલકો થંભી ગયા હતા.
સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓનો આનંદ બેવડાયો
જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સાપુતારા તેમજ તળેટી વિસ્તારમાં ગલકુંડ, શામગહાન તેમજ સુબીર અને વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. ગિરિમથક સપુતારામાં વરસાદને કારણે આહલાદક દૃશ્યો જોવા મળ્યાં હતાં. મુશળધાર વરસાદ થતાં સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો. ડાંગ જિલ્લામાં એકધારા વરસાદને પગલે ગતરોજ શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ઉપર કાળમીંઢ શિલા તથા માટીનો મલબો ધસી પડ્યાં હતાં. સ્થાનિક વહીવટી તંત્રે ટ્રાન્સપોર્ટેશન પ્રભાવિત થાય એ પહેલાં તરત જ આ મલબો હટાવવાની કવાયત હાથ ધરી હતી.

ડાંગરની રોપણી કરેલ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ
મહીસાગરના લુણાવાડામાં શુક્રવારે બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી જાણે નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. બીજી તરફ, નોકરિયાત વર્ગ અને કામધંધેથી પરત ઘરે જઈ રહેલા લોકોને રસ્તાઓ પર ઢીંચણ સમાં પાણી ભરાઈ જતાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જ્યારે અનેક ટૂ-વ્હીલર વાહનો પાણીમાં બંધ પણ પડી ગયાં હતાં. છેલ્લા એક મહિના આગાઉથી વરસાદે વિરામ લીધો હતો. પ્રારંભિક સારા વરસાદના પગલે ખેડૂતોએ ખેતરોમાં વેવતર કરી દીધું હતું, પરંતુ પછીથી વરસાદ ખેંચાતાં પાક સુકાવા લાગ્યો હતો. મહીસાગર જિલ્લામાં વરસાદ વરસતાં સુકાતા પાકને પણ જીવતદાન મળ્યું છે. ગઈકાલે લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો, જેના કારણે રોડ રસ્તાઓ પર પાણી જ પાણી થઈ ગયું હતું.

નદીઓમાં નવા નિર આવ્યાં
ઓગસ્ટમાં 86 વર્ષનો સૌથી ઓછો વરસાદ
જૂન-જુલાઇમાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદ, ઓગસ્ટમાં 86 વર્ષનો સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં જૂન-જુલાઇમાં સાડા 27 ઇંચ વરસાદે છેલ્લાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ સર્જ્યો હતો. આ અગાઉ 1927ના જૂન-જુલાઇમાં સવા 30 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઓગસ્ટમાં માત્ર દોઢ ઇંચ વરસાદે 86 વર્ષનો સૌથી ઓછા વરસાદનો રેકોર્ડ બન્યો છે.
ઓગસ્ટ મહિનામાં દોઢ ઇંચ વરસાદ
રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ 9 ઇંચ વરસાદ થવો જોઇએ, એની સામે માત્ર દોઢ ઇંચ વરસાદ થતાં 89% વરસાદની ઘટ પડી છે. આ અગાઉ 1937માં 17.4 મિમી વરસાદ પડ્યો હતો, એટલે કે 86 વર્ષ બાદ ચાલુ સાલે રાજ્યમાં ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ થયો છે. પુણેના હવામાન વિભાગના ક્લાઇમેટ રિસર્ચ અને સર્વિસના આંકડાઓમાંથી આ માહિતી મળી છે.
Source link